Monday, August 28, 2017

તો નદી કિનારે રહી શકો છો

તમે તરસને આગ ચાંપી આવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!
આખો મેઘમલ્હાર ઉથાપી આવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!

જળ વિષે જાણવાની તમને કોઈ જ જરૂર દૂર દૂર લગ ન જ હોય તો પણ,
ઘરનાં સૌ ઝળઝળિયાં કાપી લાવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!

આ પરમપવિત્ર ઉદાત્ત સુમંગલ મહાન રાષ્ટ્રનાં છત્રમાં રહેવા મળશે કિન્તુ,
તેગ ત્રિશુલ છરી ચપ્પા બરછી લાવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!

જીવન તમારું નિમિત્ત માત્ર છે ને જે કંઈ છે આજે એ સઘળું પરભવનું ફળ છે,
બસ! આટલું જ્ઞાન ગોખીગોખી આવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!


- મેહુલ મંગુબહેન, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭, અમદાવાદ