Wednesday, June 21, 2017

કૂવો

ઉપર દેખાતું હતું સહેજ ગોળ આકાશ ને એ સિવાય સર્વત્ર હતો ઘોર અંધકાર
ન કોઈ કોલાહલ, ન કોઈ ગતિ, ન કોઈ વમળ, ન કોઈ સંગતિ 
એ નાનકડા ગોળ આકાશમાં થતો કદી ફફડાટ અચાનક એ સિવાય કશું જ નહીં.
ને એક દિવસ ધબ્બ દઈને અથડાયું કશુંક 
અફાટ શાંતિ અચાનક બદલાઈ ગઈ ખળભળાટમાં
અવાજ અાવ્યો બુડબુડ...
ને જે અથડાયું હતું એ જ ખેંચાયુ ઉપરનાં સહેજ ગોળાકાર આકાશ તરફ
એમાંથી રેલાયું કંઈક ભીનું ભીનું મારી ઉપર
છેક ત્યારે મને ખબર પડી કે હું તો કૂવો છું....
ઉપરનું ખાલીખમ ગોળ આકાશ જ નહીં જળ છે મારી કને
એ દિવસે તારી ગાગર ભરાઈને હું જાણે સાગર થઈ ગયો
અમાપ અંધકાર તરત જ થઈ ગયો છૂમંતર
મળ્યુ મને હોવાપણું...
પછી મને વ્હાલ આવ્યુ... બહુ બધુ.
દિવાલનાં પત્થર મને વ્હાલા લાગ્યા
એનાં બાકોરાંઓમાં ભરાઈ રહેલા દેડકાઓ..ગરોળીઓ..ઘો..સાપોલિયા વ્હાલા લાગ્યા
કાયમ સ્થિર દેખાતા આકાશમાં છેક હવે દેખાવા માંડયા દોડપકડ રમતાં વાદળા
ખળખળ કરતાં જળને, કરોળિયાઓને, ફૂટતાં પરપોટાઓને, 
દૂર દેખાતાં સુગરીનાં માળાને...દિવાલ તોડીને ઉગી રહેલા પીંપળાને વ્હાલ કર્યુ મેં
મને મજા પડી...બહુ મજા પડી..અર્થ મળ્યાની મજા.
પણ પછી ધીમે ધીમે ઓસરવા માંડયું બધું
માંડ ભીનાશનું સુખ પામેલો હું પેલા ગોળાકાર આકાશમાંથી 
ફરી પટકાશે ધબ્બ દઈને તારી ગાગર એની રાહ જોતો રહ્યો
ને તું મારું જળ લઈને ગઈ તે ગઈ જ
જળ હોવાનો અર્થ તો મળ્યો છે પણ જળને ગાગરની તરસ હોય છે એ કોને કહું ?
કૂવાને કાંઠો નહીં પામી શકવાનો અભિશાપ હોય છે કોને કહું ?
સુરજ ઘડીક આવે છે માથે એ એમ જ રહેતો હોય તો કેવું સારુ
ઝટ સુકાઈ જાય સઘળું તો આ ગાગરનો ઈંતઝાર પણ છૂટે.

- મેહુલ મંગુબહેન, 20 જૂન 2017, અમદાવાદ