Monday, February 15, 2016

વસંત ક્યાં છે ?

પીછાંઓ તરફડી રહ્યાં છે અધમૂવા થઈને
કપાઈ રહી છે એક પછી એક પાંખો
ટહુકાઓને ચીસ ગણવાનો રીવાજ થયો છે શરૂ
બુલેટ ટ્રેનની હડફેટે આવી ગયું છે બાજ પણ
આભ તરફ આંગળી ચીંધી કહ્યું રહ્યું છે કોઈ
કે મૂળ જમીનમાં નહિ આભમાં છે આ સંસ્કૃતિવૃક્ષના
દવાની જૂની શીશીમાં કેરોસીન ભેળવી સાચવી રાખેલા તડકાની હવે ખેર નથી
માર્ચ માથે ઉભો છે ને સુરજ બસ બરફ ઓકવામાં જ છે
વાયરો કોઈ વાયરસ જેમ ઘમરોળી રહ્યો છે નજરે ચડે તે બધું જ
હું તો રાહ જોતો તો વસંતની 
કોઈ કહે છે આવીને જતી ય રહી
કોઈ કહે છે આવી જ નથી વસંત
કોઈ વળી કહે છે આ જ છે વસંત
હું પ્રિયતમાનાં સ્પર્શ જેમ ઓળખું છું એને
આ બીજું જે કંઈ હોય, વસંત તો નથી જ નથી
તો કહી દોને પ્લીઝ વસંત ક્યાં છે ?
એ અહીં નથી તો ક્યાં છે ?
વસંત વિષે પૂછવું ગુનો તો નથી જ
બધા બાઘાની જેમ જોયા શું કરો છો
સંભળાતું ન હોય તો એકાદ ફૂલનો સંકેત તો આપો
વસંત ક્યાં છે ?
અરે કોઈ તો બોલો
વસંત વિષે બોલવું ગુનો તો નથી જ
કોઈ તો બોલો
આખર વસંત છે ક્યાં મારી ?

- મેહુલ મંગુબહેન, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬ અમદાવાદ