Monday, November 7, 2016

કુતરા જેવી ઊંઘ

મધરાતે શેરીનું કુતરું રુવે તો એને છાનું રાખી શકાતું નથી, 
એની સાથે રુદન કરી શકાતું નથી, 
કેમકે સ્માર્ટફોનમાં સચવાયેલું આંસુ ઝટ દઈ બહાર નીકળે એમ શક્ય નથી.
છુપા નામે સેવ કરેલા નંબરનું લાસ્ટ અપડેટ જોઇને સેન્ટી થવા જેટલી સગવડ મળી શકે છે મધરાતે 
પણ એથી કઈ કુતરાનાં રુદનની તીવ્રતામાં લેશ ફરક પડતો નથી. 
અધવચ્ચે બુઝાઈ જતી બીડી જેવી આળસુ પથારીમાં પથરો થઇને પડ્યું હોય છે શરીર 
પણ એને મધરાતના અંધારામાં છાતી ફૂટતા કુતરા પર ફેંકી શકાતું નથી,
ફક્ત પડખા ઘસી શકાય છે પણ કૂતરાની જેમ છડેચોક પોક મૂકી શકાતી નથી કોઈ નામે.
ઘરર ઘરર ફરતા પંખાને જ ધારી લેવાનો છે ચાંદો 
ને નહિ શોધાયેલી કોઈ ભાષામાં લખવાનું છે નામ એના પર.
પંખાનાં અવાજ અને ઘડિયાળની ટકટક સાથે કાનનું તાદાત્મ્ય સાધીને 
પગથી માથા સુધી ઓઢી લેવાનો છે ધાબળો 
આંખો સદંતર કચ્ચીને કરી દેવાની છે બંધ 
બસ...હવે આવવામાં જ છે
સહેજ પરસેવો વળશે ને પરસેવાની ગંધ જશે નાકમાં 
કુતરાઓ એની મેળે થઇ જશે ચુપ 
બિસ્તરની કરચલીઓ લાગવા માંડશે મુલાયમ 
માથે ગોળ ફરતો ચાંદો હવે આવી જશે આગોશમાં અદ્દલ એ જ ખુશ્બુ સાથે
ને ઘડીક માટે આવી જશે કુતરા જેવી ઊંઘ પણ.

- મેહુલ મંગુબહેન, ૭ નવેમ્બર ૨૦૧૬, અમદાવાદ