Wednesday, November 25, 2015

અંધાર ફળિયુ

સુરજ સાત ઘોડલે સવાર થઈને ફરતો તો આખા ગામમાં 
પણ મારે તો પગપાળા જ પહોંચવાનું હતું એના ઘર લગી
એના દરેક કિરણની પહેરેદારીથી નજર બચાવીને
પૂરપાટ વેગે દોડતા ઘોડાઓની લોખંડીથી નાળથી બચાવીને હાડકા 
ચામડીને બાળતા કાપવાનો હતો મારગ મારે 
એ મારગ જેમાં આંબા-આંબલી નોતા, 
જેમાં નોતા પીંપળી-લીમડી
દૂર દૂર લગ છેક દૂર લગ ખોડાયેલા મૃગજળના ઝાડવા
ને વિસામો લેવા ખાતર દોહ્યલા હતાં બાવળ પણ.
સુરજ સાત ઘોડાને તાલે તબડક તાવ દઈને ફરતોતો ત્યારે  
મારે પહોંચવાનુંતુ એના ઘર લગ બળતે પગલે
ચાલ્યા કર્યુ મે,
અથડાતા-કૂટાતા
લડતા - ઝઘડતા
ટેકો દેતા, ટેકો લેતા
તળિયાનાં ફોલ્લા ફચફચ રહ્યાં ફૂટતાં 
ભૂલી જઈને અર્થ દાઝવાનો
ખરતી રહી ચામ઼ડી પણ એમ જ લસરતી
ને માંડ બરાબર પહોંચુ સુરજ લગી ત્યાં 
સાંજ પડી ગઈ ગધની
ફરી ગઢની ડેલીમાં ગરી ગ્યો ગેલસ્પફો સુરજ 
ને અંધાર ફળિયુ આખુ મારુ 
લઈ ચમચી લઈ વાટકી
ખોલી ફાળિયુ, ખોલી ધોતિયુ
હાથ લાગ્યુ તે વાસણ લઈને ખોળો પાથરી 
મુઠ્ઠીભર અજવાળાની વાટે 
ફરી ગઢને ડેલી આગળ કરગરવા બેઠું.

- મેહુલ મંગુબહેન, 24 નવેમ્બર 2015

1 comment :