Tuesday, October 21, 2014

મમ્મીનો રૂમ


તમારી પાસે કોઈ ઈલમ છે સાહેબ ?
કોઈ મંત્ર, તંત્ર, તાવિજ કે માદળિયુ કંઈપણ ચાલશે
હું ખાલી ઈચ્છુ છું કે 
ઓફિસ જવા નીકળી જાઉ પછી મમ્મીના રૂમમાં થોડી અવરજવર હોય 
જરાક અમથો અવાજ હોય 
હું ઈચ્છું છું કે એને દીવાલોમાં દેખાય મનગમતા ચહેરાઓ 
પોપડામાંથી નીકળી આવે આખેઆખા માણસ
ને ભણ્યા કરે એને હોંકારો.
ખાલી હમ્મ... હા એટલુંય ચાલે.
એને અવાજની ટેવ પડેલી છે 
ના ના 
મૂળ તો ટેવ અવાજ સાંભળવાની જ હતી 
કારખાનાના મશીનના અવાજ
ફરશ પર સાવરણાના ઘસાવાનો અવાજ 
મુકાદમની બૂમોનો અવાજ 
ટેવ હતી એને ભાતભાતના અવાજ સાંભળવાની 
મામલો ખાલી ખપ મુજબ ટેવાઈ ગયેલા 
ફફરજવશ કાનનો હતો 
પણ સાલો લોચો પડ્યો છે સાહેબ 
કાન સાલા રીટાયર થયા છે ને 
છેક આટલા વર્ષે થઇ છે જીવનમાં મોઢાની ભરતી
પણ એની આસપાસ એકેય કાન નથી હોતા
જે એની કોઈ જ અર્થ વગરની 
રિપીટ થયા કરતી વાતોને અડે 
દઈ દે હોંકારો અમથો અમથો.
મારે ઓફીસ જવાનું મોડું થાય છે સાહેબ 
અદ્દલ એમ જ જેમ એને કારખાને જવાનું થતુંતું
ઓફીસ જવું જ પડે એમ છે સાહેબ 
અદ્દલ એમ જ જેમ એને જવું જ પડતુંતું રોજ કામે
પણ કોઈ ઇલમ હોય તો ચોકકસ કેજો મને 
હું માનતો નથી જરીક પણ... 
કોઈ મંત્ર, તંત્ર, તાવિજ, માદળિયું પણ ચાલશે
એ કેતી નથી કદીયે કશુય પણ મને ખબર છે એની 
એને ખાલી એક હોંકારો જોઈએ છે 
ને મને મારી'ય ખબર છે 
મને જોઈએ છે ખાલી હાશકારો
કઈ ઇલમ હોય તો કેજો પ્લીઝ !

- મેહુલ મંગુબહેન, 9 ઓક્ટોબર 2014