Thursday, September 18, 2014

વિસ્ફોટ અને શાંતિ

એણે મુઠ્ઠી ખોલી તો 
હથેળીમાં દેખાયું મને આભ 
ફટાક દઈને મૂકી દીધી મેં આંગળી 
પોપચાની જેમ બીડાઈ ગઈ મુઠ્ઠી
ચાલવા માંડ્યા અમે ધસમસ 
માથાના વાળ થઇ ગયા પતંગિયા 
તળિયા જાણે દરિયો 
હવામાંથી હવા બાદ થઇ ગઈ 
ને રહી ગઈ ફક્ત ખુશબો 
બધુય તરબતર 
એટલું તરબતર કે 
લોહીના બદલે સુગંધ વહેતી હોય જાણે અંદર 
જરી પણ અવાજ ન થાય એમ ચુપચાપ માંડ્યું હોય પગલું 
તોય ચારેકોર ધબ્બ સંભળાય એવું 
એક વિસ્ફોટ... સાવ સહજ 
એક શાંતિ...સાવ સહજ 
બે વિસ્ફોટ... સહજ સહજ 
બે શાંતિ... સાવ જ સહજ 
વિસ્ફોટ વિસ્ફોટ 
શાંતિ શાંતિ 
વિસ્ફોટ વિસ્ફોટ વિસ્ફોટ
શાંતિ શાંતિ શાંતિ
વૃક્ષો કહ્યા વગર શ્વાસ દીધા કરેને એવું સહજ બધુયે 
વિસ્ફોટ કે શાંતિ ? 
ના ના !
વિસ્ફોટ અને શાંતિ ? 
હા કદાચ હા 
કે શાંતિ અને વિસ્ફોટ ? 
હા 
હા 
હા 
હા એ જ
કકાં પછી એવું કશુક
એણે હળવેકથી ફરી ખોલી મુઠ્ઠી
મેં સહજતાથી આખુ આભ પેરી લીધું આંગળીમાં.

- મેહુલ મંગુબહેન, 14 સપ્ટેમ્બર 2014, અમદાવાદ 

Monday, September 15, 2014

કાળીયાનું સપનું

એક રાતે કાળીયા'ન સપનું આયુ 
ન કાળીયો નાઠો 
ગોદડી હોત ઉડવા માડ્યો
હેઠે આખી વસ્તી દેખાય ને કાળીયો જાય ઉડ્યો ઉપર છેક ઉપર 
રોજ રાતે ઘર્રર્ર્ર્ર લઈને ઉડતું વિમાન યાદ આયુ  
હેઠે દેખાતી વસ્તી જોઈ'ન !
સપનામાં એક કોળિયો ન એની પાછળ કાળીયો.
હૂતો'તો તાણ રગો તૂટતી'તી ન હારું સપનામાં તો ચેવું 
પગ ન જાણે રોકેટની પાંખો આઈ  
આગળ કોળિયો ને પાછળ કાળીયો 
હાથ લાંબો કરી પકડવા મથે પણ 
કોળિયો તો એકથી બીજા ન બીજાથી તીજા ઘરે ફર્યા કરે.
આડો દન હોત તો કાળીયો'ય થાકીન બેહી જાત હેઠો 
પણ હાહરાન ખબર પડી જઈ ક આતો સપનું સ 
મજા આવવા માડી 
કાનમાં વાગવા માડ્યા પિચ્ચરના ગીતો 
હવારમાં ગલ્લે વાગતા હોય સ એવા. 
દોડીદોડી'ન કાળીયો થાક્યો, ઉભો રયો જરાક 
તો કોળિયો ય ગેલ્સપ્પો ઉભો રહી જ્યો. 
હાથમાં બિસ્કીટનું પડીકું હોય ન કુતરું નખ જેટલું જરીક જરીક ખહ'અ ન 
એમ ખહવા માડ્યો કાળીયો કોળિયા ભણી 
જીભ એક વારકી બાર કાઢી'ન પાછી મઈ નાખી પલળેલી 
એન'અ  એમ ક હમણાં મન'અ બુચ્ચ કઈન બોલાવશે 
પણ કોળિયો ઘોડીનો ઉભો રઈ જ્યો એક ઘર આગર.
હવ તો તાવ આઈ જ્યો હોય ન એવું થ્યુ.
નખ નખ જેટલું આગળ વધતો કાળીયો થાંભલો થઇ જ્યો 
ઘડીક વાર કોળિયો ભૂલી ન તાકી જ રહ્યો ઘર હામુ
ગમ ન પડી ન માથું ખંજવાળ્યું તો મૈથી જુ નેકરી કાળી મેંશ
હજુ તો જુ ન નખમાં દબાવઅ એ પેલા કોળિયો ઘુસી જ્યો ઘર મ
કાળીયો તો જોતો જ રહી જ્યો...
માથું જોરથી ખંજવાળ્યું તો જુયોનો ઢગલો થઇ જ્યો કમાડ આગળ 
હાહરું ઘર ચાક જોયેલું સ પણ યાદ ચમ નહિ આવતું ?
ઢગલો થઇ હેઠ પડેલી જુયો પાછી માથે ચડવા માડી 
ન તોય કાળીયો તો બાઘો થઇન જોઈ જ રયો ઘર હામે
શી ખબર ચેટલો વખત જ્યો 
કોક કલાકાર ચિત્ર હામે જોઈ રે ન એમ 
મઈ ઘુસી જયેલા કોળિયાને ભૂલી  
કાળીયાએ ઘૂર્યા કર્યું ઘર હામે 
"બાર શું ઠોયાની જેમ ઉભા સો મૈ આવો ન" અવાજ આયો
ન કાળિયાને ગનાન લાદ્યું .... "આતો રમ્લી..." 
" એની માન'અ.... આતો મારું જ ઘર સ લ્યા!
હારું સપના મ સપનું સ ક, કોકે માતા મેલી હશે?" 
કાળીયાન કઈ કરતા કઈ હમજ્યુ જ નઈ
મઈ જઈ ન ધારી ધારી જ જોવા માડ્યો એનું પોતાનું ઘર
કમાડ કાઢી નાખ્યું આખું પેલ્લા
ડામચિયો ફેંદી નાખ્યો 
નળિયા ખસેડ્યા
ખોતરી ભીતો 
વેરણછેરણ કરી નાખ્યુ આખુય ઘર 
છાબડીમાં બળી'ન કાળી થયેલી રોટલાની હુક્કી પતરી મળી 
ધારી ધારી ન જોઈ ન પાછો યાદ આયો કોળિયો 
અહી જ ઘુસ્યો તો ... ચાં જ્યો માદરબખત ? 
આ બૂમ મારી'ન રમ્લી ચાં નાહી જઈ ? 
બેય કાન'ન ભેગા કરી દેવાના હોય એમ 
કચકચાવીન હાથ દાબી'ન ઉભો રહી જ્યો ઘર વચાળે 
ડામચિયાના ચાર ગોદડા ઉડીન ચોંટ્યા એન'અ 
ભીતો ઓગળવા માડી ન મૈથી નેક્ર્યું જુયોનું લશ્કર
એક દો તીન ચાર કરી'ન હેંડવા માડ્યું બા'ર  
ઉંબરાએ આળસ ખાધી'ન કમાડ થઇ જ્યું રસ્તો 
નળિયા પડ્યા બધા માથે 
બધુય થવા માંડ્યું ઝાંખું
પીધેલું પાણી એની મેળે મુતર થઇ જાય ન એમ 
ખાધેલું એની મેળે ગુ થઇ જાય ન એમ 
કાળીયાની જાણ બાર બધુય થઇ જ્યું હતું એવું
ખાલી એક ગોદડી રઈ 
ન ગોદડીમાં એનું ડિલ 
આકાશમાંથી તારો ખર'ન
એમ કાળીયો ભફફ દઇન સડસડાટ ગોદડી હોત પડ્યો હેઠો
બે ચાર ધાબેથી હાથ લાંબા થયા 
આંગળીઓ ઉઠી પાંચ-છો 
ને કોકે માગી લીધા વરદાન તારો ખર્યાની વેળે 
ઘડીક થઇ ન રાત ખરી પડી 
રોજની જેમ.
રોજ પડ સ એમ પાસી પડી જઈ હવાર
કશુ ખર્યાનું કોઈ નીશાન ના રયુ
હશે, સપનું જોવામાંથી ય છૂટ્યો કાળીયો !


- મેહુલ મંગુબહેન, 13 સપ્ટેમ્બર 2014



Tuesday, September 9, 2014

बन जाओ जुगनू लगाओ पहरा

बन जाओ जुगनू लगाओ पहरा, 
सूरज के घर न घुस पाए अँधेरा!

जो वकत झाड़िओ में छिप रहा है, 
घसीट ले आओ उसे आँगन में 
जो ज़ज़्बा दिल में दुःख रहा है, 
निकाल फेंको खुद के जहन से,

बहा दो पानी है जो आँखों में ठहरा 
बन जाओ जुगनू लगाओ पहरा, 
सूरज के घर न घुस पाए अँधेरा!

निचोड़कर पलके छत पे सुखाओ,
फटे गले से वो गीत गुनगुनाओ
कुरेदो अंगूठे से जमीन ऐसी की, 
झरना पाताल से कोई ढूंढ लाओ
करके सवारी उस झरने पर तुम
सारे दरियाओ को ठोकर लगाओ

उस पार से ले आओ अपना सवेरा 
बन जाओ जुगनू लगाओ पहरा, 
सूरज के घर न घुस पाए अँधेरा!

- मेहुल मंगुबहन, ५ सितम्बर २०१४, अहमदाबाद