Monday, December 31, 2012

કવિતાઓ


મોરમાંથી મરવા થતા પહેલા,
અમથા ઝાપટામાં ય ખરી પડેલા
આંબા જેવી હોય છે કેટલીક કવિતાઓ.
સ્વાદથી ભરપુર પણ મોસમની મોહતાજ.
કેરી ભાવે છે પણ આંબા જેવી મધમીઠી કવિતાઓ મને નથી ગમતી.
ડ્રોઈંગરૂમની બરાબર સામે,
એક્વેરિયમની નજીક, બારી પાસે
મહેમાનની નજર ચડે એમ મુકાયેલા
મની પ્લાન્ટ જેવી હોય છે કેટલીક કવિતાઓ.
લીલોતરી કર્યાના સંતોષમાં રાચતી
સભ્યતાની સાબિતી જેવી મની પ્લાન્ટ બ્રાંડ કવિતાઓ મને નથી ગમતી.

બીટગાર્ડની ગોળીથી માંડ બચેલો કોઈ ભીલ
સમી સાંજે  ઊંડા જંગલમાં ઉતરી ગ્યો હોય,
અમથું ખીસ્કોલું નીકળે તોય અવાજ કરતા બારમાસી પાનખરિયા વનને
લીલુછમ કરવાનું સપનું જોતો સુતો હોય
અને સવારે એના કપાળની આરપાર ઉગી નીકળે ઘાસ
એવા વાંસ જેવી કવિતાઓ લખવી છે મારે.
કાં પછી,
બાઈ બચરા બધુયે મેલી રોટી માટે 
શહેરની સડકે શેકાતા જણને આવતી ઘરની યાદ જેવી કવિતાઓ લખવી છે મારે.  
ગટરના ઢાકણ જેવી ગોળ પૃથ્વી પર 
પરગ્રહવાસીની જેમ જીવજીવાતા જીવન જેવી કવિતાઓ લખવી છે મારે જો લખાય તો !
બાકી મેંગો જેવી મીઠી કે મની પ્લાન્ટ જેવી વૈભવી કવિતાઓ મને નહિ ફાવે.

મેહુલ મકવાણા, 30 નવેમ્બર 2012