Friday, April 27, 2012

કૈક લોક દાટે હજુ , કૈક હજુ બાળે છે


અમથો આંખોને પસવારે છે.
દીવડો ક્યાં કશુંય અજવાળે છે.

ભૂલી પડેલી અંતરિયાળ તરસ,
ડામરની સડકે વીરડો ગાળે છે.

નક્કી એની મોટી મજા મરી હશે,
નાની નાની વાતમાં એ કંટાળે છે.

મળે મધરાતે રોજ માણેકચોકમાં,
જાણું છુ કે ઈશ્વર ક્યાં સોડ તાણે છે.

પ્રેમ નહિ વહેવાર ટકે છે એ રીતે,
બેઉ જયારે કોઈ એક વાત ટાળે છે.
મીઠપ સહાનુભૂતિની સહુને ભાવે,
સૌ ઉઝરડા ઘાવ ગણી પંપાળે છે.

ઠેબે ચડે રોજ લાશ અહીં કબીરની,
કૈક લોક દાટે હજુ , કૈક હજુ બાળે છે.

- મેહુલ મકવાણા, ૧૩ /૧૨ / ૨૦૧૧ , અમદાવાદ

Sunday, April 15, 2012

એ પોતે પથરાઈ ગઈ પાથરણામાં


ટેરવાઓ ફસડાઈ પડ્યા આંગણામાં,
ટકોરો કેમ દઉં હવે હું ધારણામાં ?

હીંચે ઘોડિયું દઈ હાલરડા કાલા ઘેલા,
એ બાળક જે કાલ હતું પારણામાં.

અર્થ ભારનો આજ એ સમજાય મને,
માં જે લઇ લેતી'તી ઓવારણામાં.

હોય છે આશ કોઈ જે તરી જાય કાંઠે,
બાકી બળ જરી હોતું નથી તરણામાં.

ખોટ એની પૂરવા દોટ મૂકે સાગર ભણી,
ઇચ્છાઓ જે રહી ગઈ'તી ઝરણામાં.

સુરજ બોણીનો ઉગ્યો નહિ ત્યાં રાત પડી,
એ પોતે પથરાઈ ગઈ પાથરણામાં.

અંતરના ભમ્મરકુવે ઘડયા હશે કો મનસુબા,
મોટી ભૂલો આમ થાય નહિ અજાણતામાં.

- મેહુલ મકવાણા, અમદાવાદ, ૧૬ / ૦૧ / ૨૦૧૨


Thursday, April 12, 2012

ક કવિતાનો ક...ગ ગરવનો ગ

કાઈ કેટ
આપણે નીંદરમાં હોયી
ને રાતે ગૂપચૂપ આવીને,
આપણી જાણ બહાર,
મીન્દ્ડું દૂધ પી ગયું હોય
ને છેક સવારે એની ખબર પડેને
અદ્દલ ઈમ જ..
કાં પછી,
બજારમાં હટાણું કરવા ગિયા હોઈયેને
રુવાડુંએ ના ફરકે ઈમ કોક પાકીટ મારી જાય
ને ગજવામાં નાખેલો હાથ ક્યાંક ખોટે ઠેકાણે ભટકાય
છેક તઈ આપણને ખબર પડે કે હારું પાકીટ તો ગીયું,
એવી હાથચાલાકીથી.
આજકાલ કેટલાક માણહ કવિ થઇ જાય સે......
જેમણે આખી જિંદગી
કાવડિયાનો જ ક ઘૂંટ્યો હોય
એવા સાવ અજાણ્યા લોક,
કાવડિયાના ક ના જોરે
કે "વહીવટ"ના વ ના જોરે
કે એમની રૂડીરૂપાળી અટકના "અ" ના જોરે
કે પછી કોક મહંતના "મ" ના જોરે
રાતોરાત મ્યુંન્સીપલટી એ ખોદી કાઢેલા ખાડા જેમ
માણહ નીકળે છે કવિ થઇને,
ને સાહિત્યના "સ"ની સભાઓમાં કરવા માંડે છે કવિતાની માં-બેન / ભાઈ-બાપ.
બોલો
ક કવિતાનો ક
ખ ખસીકરણનો ખ
ગ ગરવનો ગ
ગ ગુજરાતનો ગ
ગ ..
ઘ ઘંટનો ઘ
..........વગેરે વગેરે.

- મેહુલ મકવાણા , ૧૯ / ૦૧ / ૨૦૧૨ , અમદાવાદ