Tuesday, February 21, 2012

રમલી ગાંડી અને ઝાડું અને ..?

કાચી નીંદરે જાગી રમલીએ ડાબા હાથમાં ઝાડુ લીધું,

આંખ ચોળતો ઉગ્યો સુરજ ને કુકડાએ ડોકું ઊંચું કીધું,


ખાટલા હેઠથી નાસી કુતરાએ ઝટ ખોલી નાખી શેરી,

કર્યો કોગળો સૂરજનો, મનમાં ભાંડીને ગાળ પેલ્લી.


એક ખાટલો, બે પોલકા ને વેઢે ગણાય એટલા જ ઠામ,

ગામમાં રમલીનો વાસ ખરો પણ એ ગણાય નહિ ગામ.


એનું ઝાડું એટલે કાથીજડિત બે ચાર ખખડતી સળીઓ,

રમલીના ધીમા શ્વાસ જેમ એ ય ગણે આખરની ઘડીઓ


આમ તો ઝાડું સાધન અમથું પણ એવું રમલી ના માને,

એને કરે દીવો, લે બલાઓ ને બાંધે રાખડી બળેવ ટાણે.


લેણદેણ બેઉની એવી કે એક સાંધવામાં એકોતેર તૂટે,

વસ્તુ માણસ એમ નોખા પાડો તો કશુય ના કોઈમાં ખૂટે.


ડીલ પર ઢસરડા, મનમાં મૂંઝારા ને બેઉના મોઢે ડાચો,

રમલી ને ઝાડું રમવા ચાલ્યા ફરી જાતનો આંધળોપાટો.


ગામ આખુંય વાળે રમલી ને પંડ્છાયો પોતાનો એ ટાળે,

એમ છાતીએ ચાંપી રાખે ઝાડું જાણે માં બાળકને પંપાળે.


ગામ વાળતા વાળતા આવ્યું ફરીથી એ જ ફળિયું પાછુ,

આજ જોઈ ધૂળમાં લાલ ઇટાળો આંખે કાળું મોતી બાઝ્યું.


એક ઘડીક માટે રમલી અને ઝાડું ગ્યા ભૂતકાળમાં સરી

ત્યાં તો ઝટ વાળ માદરચોદ એવી ગાળ ક્યાંકથી પડી.


રમલીની પહેલા ઝાડું જાગ્યું, એની આંગળીઓ હલાવી,

તરત માર્યો રમલીએ લસરકો બાઝેલા ડૂમાને દબાવી.


ઝટકો ભારે પડ્યો ડૂમાનો, ઝાડું ત્યાં જ થઇ ગયું માટી,

ગામ વચાળે આજ કૂટે રમલી ભીખલાના નામે છાતી.


આ ઝાડું હતું ભઈ ભીખલાની છેલ્લી બચેલી એક નિશાની,

કેમ કરાશે બળેવ હવે ? ક્યાંથી વીર પસલી ભરવાની ?


જ્યાં એક દી' ભીખલાનું ધડ પડ્યુંતું આજે ત્યા જ ઝાડું મર્યું

જેવું સહુને ફળે છે એવું જીવતર રમલીને કદીય નવ ફળ્યું.


રમલી રોવે આજ ભઈ ભીખલાને નઈ એ ઝાડુનો આઘાત,

એકદા તલવાર ધારે ટકરાઇ 'તી ભીખલાની નીચી જાત.


કહે છે કે એનું ધડ મળ્યુંતું ખાલી ક્યાંય મળ્યું નોતું શિર,

નેનકી રમલી જુવે નઈ એટલે કોકે એને ઓઢાડ્યુંતું ચિર,


થઇ ગઈ પુતળું રમલી ત્યાં, ઝાડુની સળીઓ લીધી ખોળે,

ન્યાયના નામ પર રમલી ફક્ત ભઈ ભીખલાનું માથું ખોળે.


કેટલા ધડ, માથા કેટલા ? એવો અહીં કોણે રાખ્યો હિસાબ ?

ગામ સમજ્યું કે થઇ ગાંડી રમલી કાં લાગ્યો એને શાપ.


રમલી ગાંડી રમલી ગાંડી કહી પાછળ પડ્યું આખું ગામ

રમલી બોલે ફક્ત ત્રણ અક્ષર: ઝાડું, જાત ને ભઈનું નામ.


- મેહુલ મકવાણા, ૨ / ૧૨ / ૨૦૧૧ , અમદાવાદ